રાજકોટ: રિષભપંત છેલ્લા કેટલાક સમયથી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે આલોચકોના નિશાના પર છે, ત્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં રિષભ પંતે વિકેટકીપિંગમાં એક મોટી ભૂલ કરી દીધી હતી.

પંતની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશના બેટ્સમેનને મળ્યો હતો. વાસ્તવમાં છઠ્ઠી ઓવરમાં ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને રિષભ પંતના હાથે સ્ટંપ કરાવી દીધો હતો, જેના બાદ ટીમ ઇન્ડિયાને ઉજવણી પણ કરી હતી, પરંતુ આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો.


થર્ડ અમ્પયારની રિપ્લેમાં જાણ થઈ હતી કે રિષભ પંતે બોલને વિકેટની આગળથી પકડી લીધો હતો, અને ગ્લવ્સનો કેટલોક ભાગ સ્ટંપ્સની આગળ હતો. જેના કારણે અમ્પાયરે લિટન દાસને નોટ આઉટ આપ્યો હતો સાથે નો બોલ આપ્યો હતો અને ફ્રી હીટ પણ આપી હતી. ફ્રિ હિટ પર લિટને ચોગ્ગો ફટકારી દીધો હતો.

જો કે લિટન દાસને જીવંનદાન મળ્યા બાદ તે 29 રન બનાવી શક્યો હતો અને પંતે જ રન આઉટ કર્યો હતો. પંતના આ બ્લન્ડરના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. ભારત આ મેચ 8 વિકેટથી જીત્યું હતું.